Telecom Department: ચક્ષુ પોર્ટલની શરૂઆતથી, શંકાસ્પદ એસએમએસ મોકલવામાં સામેલ 52 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે જ્યારે દેશભરમાં 348 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે અને 10,834 શંકાસ્પદ મોબાઈલ નંબરો પુનઃ ચકાસણી માટે માર્ક કરવામાં આવ્યા છે.
દૂરસંચાર વિભાગ, ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ સાયબર ગુનાઓ અને નાણાકીય છેતરપિંડીઓમાં ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે સાથે મળીને કામ કરશે. દૂરસંચાર વિભાગે ટેલિકોમ સેવા પ્રદાતાઓને સાયબર ગુનાઓમાં કથિત સંડોવણી બદલ 28,200 મોબાઈલ ફોન બ્લોક કરવા અને 20 લાખ મોબાઈલ કનેક્શન્સની પુનઃ ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે.
એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે સંયુક્ત પ્રયાસનો હેતુ છેતરપિંડી કરનારાઓના નેટવર્કને તોડી પાડવા અને નાગરિકોને ડિજિટલ જોખમોથી બચાવવાનો છે. તેમાં કહેવાયું છે કે ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે સાયબર ગુનાઓમાં 28,200 મોબાઈલ ‘હેન્ડસેટ્સ’નો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ મોબાઈલ ફોન સાથે લગભગ 20 લાખ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેલિકોમ્યુનિકેશન વિભાગે ટેલિકોમ સેવા પ્રદાતાઓને સમગ્ર દેશમાં આ 28,200 મોબાઇલ ફોનને બ્લોક કરવા અને તેમની સાથે જોડાયેલા 20 લાખ મોબાઇલ કનેક્શન્સને તાત્કાલિક ફરીથી વેરિફિકેશન કરવા અને જો વેરિફિકેશન નિષ્ફળ જાય તો કનેક્શન્સને ડિસ્કનેક્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે.
શંકાસ્પદ મેસેજ મોકલવામાં સામેલ 52 સંસ્થાઓ બ્લેકલિસ્ટ
ટેલિકોમ ફ્રોડ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે વિભાગે બે મહિના પહેલા ‘ચક્ષુ’ પ્લેટફોર્મની રજૂઆત કરી હતી. આ પોર્ટલ શરૂ થયા બાદથી, શંકાસ્પદ SMS મોકલવામાં સામેલ 52 સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે જ્યારે દેશભરમાં 348 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે અને 10,834 શંકાસ્પદ મોબાઈલ નંબરોને પુનઃ ચકાસણી માટે માર્ક કરવામાં આવ્યા છે.
આ વર્ષે 30મી એપ્રિલ સુધી 1.66 કરોડ મોબાઈલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા
વધુમાં, ટેલિકોમ્યુનિકેશન વિભાગે 1.58 લાખ યુનિક મોબાઇલ ડિવાઇસ આઇડેન્ટિફિકેશન નંબર્સ (IMEI)ને સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડી અથવા નકલી અથવા બનાવટી દસ્તાવેજો પર લીધેલા મોબાઇલ કનેક્શન્સમાં તેમની સંડોવણીને કારણે બ્લોક કરી દીધા છે. સત્તાવાર માહિતી અનુસાર, આ વર્ષે 30 એપ્રિલ સુધીમાં, વિભાગે 1.66 કરોડ મોબાઇલ કનેક્શન્સ ડિસ્કનેક્ટ કર્યા હતા, જેમાંથી 30.14 લાખ યુઝર ફીડબેકના આધારે ડિસ્કનેક્ટ થયા હતા અને 53.78 લાખ નવા સિમ કાર્ડ ખરીદવાની વ્યક્તિગત મર્યાદા ઓળંગવાને કારણે ડિસ્કનેક્ટ થયા હતા.